વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૬
સંવત ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો, ઇન્દ્રિયો-અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચવર્તમાનમાં દૃઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ, અને એવા સંત મનુષ્ય છે તોપણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી. (૧)
૨ પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવોતેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ, પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તોપણ જેને પંચવિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય ? તેનાં લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, આ લોકમાં જે સારું-નરસું કર્મ કરે છે તેનું જે સારું-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે. એવી દૃઢ મતિ જેને હોય, તથા લાજ હોય જે, ભૂંડું કરશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડશું ? એવો જે હોય, તે ગમે ત્યાં જાય તોપણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહીં. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે એવી જાતના જે હોય તેને સ્ત્રીધનાદિક પદાર્થનો યોગ થાય તોપણ એ ડગે નહીં. (૨) અને એવો ન હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું; બ્રહ્મ છું તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી; હું તો અસંગ છું, એવું અંગ હોય, તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે, ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જાશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે ને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થાશે, ને જો મુને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થાશે. એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથિ હોય તે ભક્ત ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો, તથા માયિક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે. (૩)
૩ પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, (૩) અમને અહંકાર ન ગમે, તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે, તે દંભ શું તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ ને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે, અને પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે, તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે, અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશે તુચ્છપણે સમજે પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. ને હવે જે ગમે તે કહીએ છીએ. જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરેક જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે ને ધર્મમાં દૃઢ રહ્યો હોય, ને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તોપણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાને મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે, એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૨૬।। (૨૬૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું અને ત્રીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં ઇન્દ્રિયો-અંતઃકરણને દાબીને અમારા સંબંધી ક્રિયા કરે ને શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનીને અમારી ઉપાસના કરે એવા એકાંતિક સંતની સેવા તે અમારી સેવા તુલ્ય છે અને એવા ગુણે યુક્ત બાઈ હોય તેની સેવા બાઈઓએ કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બીજામાં ધર્મ તથા આસ્તિકપણું ને લાજ એ ત્રણ હોય તે સ્ત્રીઆદિકમાં લેવાય નહીં. (૨) અને આત્મનિષ્ઠા હોય ને અમારું માહાત્મ્ય બહુ જાણતો હોય તે એમ જાણે જે હું નિષ્કામાદિક ધર્મ નહિ પાળું તો શ્રીજીમહારાજ કુરાજી થશે એમ સમજે તો ધર્મથી પડે નહીં. (૩) ત્રીજામાં પોતાને જે અંગ ગમે ને ન ગમે તેની વિક્તિ કહી છે. (૪) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં અમારી પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તેમને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા એમ શ્રીજીમહારાજે કહ્યું તે મનુષ્ય કોને જાણવા ? ને દેવ કોને જાણવા ?
૧ ઉ માયામાંથી ઉત્પન્ન થાય છે એવા જે જીવ તે જીવકોટિને આ ઠેકાણે મનુષ્ય જાણવા, અને માયાથી પર જે ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ તે સર્વેને આ ઠેકાણે દેવ જાણવા, કેમ જે એ સર્વે ઉત્પત્ત્યાદિક ક્રિયા કરે છે તે ક્રિયા સંત નથી કરતા; સંત તો એક મૂર્તિના સુખમાં જ લુબ્ધ રહે છે. માટે તે સર્વેથી શ્રીજીમહારાજના સંત એટલે મુક્ત તેમને અધિક કહ્યા છે.
૨ પ્ર આમાં અમારા સંબંધી જ ક્રિયા કરે એવા જે અમારા સંત તે અમારી પેઠે સેવા કરવા યોગ્ય છે એમ શ્રીજીમહારાજે કહ્યું. અને (છે. ૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં ) છો લક્ષણે યુક્ત સાધુની સેવા પણ શ્રીજીમહારાજે પોતાની સેવા તુલ્ય કહી છે અને (વ. ૫ના ચોથા પ્રશ્નમાં ) મોટાપુરુષની અને શ્રીજીમહારાજની સરખી સેવા કરવાથી સો જન્મે કસર મટવાની હોય તે આ જન્મે મટી જાય એમ કહ્યું છે. આ ત્રણમાં શ્રીજીમહારાજના સરખી જ મોટા સંતની સેવા કરવાનું કહ્યું તે સરખી સેવા કેવી રીતે કરવી ?
૨ ઉ (મ. ૫૪ના પહેલા પ્રશ્નોત્તરમાં) જેવી રીતે આત્મબુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, દેવબુદ્ધિ ને તીર્થબુદ્ધિ રાખવાની કહી છે તેવી રીતે સેવા કરવી.
૩ પ્ર (૩/૪ ત્રીજા પ્રશ્નમાં ) પોતાને ને અમને અભેદપણે ભજે તે અમને ન ગમે એમ કહ્યું તે શ્રીજીમહારાજને કેવી રીતે ભજે તે અભેદપણે ભજ્યા કહેવાય ?
૩ ઉ પરબ્રહ્મ જે ભગવાન તે હું છું એમ માને પણ સ્વામી-સેવકપણું ન રાખે તે અભેદપણે ભજ્યા કહેવાય તે શ્રીજીમહારાજને ન ગમે. ।।૨૬।।